રાજસ્થાનના બિકાનેરની જયનારાયણ વ્યાસ કોલોનીમાં એક પુરપાટ ઝડપે આવેલી કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી બીજી કાર સાથે અથડાઈ હતી. ત્યારબાદ આ બેકાબુ કાર દુકાનની અંદર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં શાળાએ જતી એક વિદ્યાર્થિનીને પણ ઈજા પહોંચી હતી, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ આસપાસના લોકોએ કાર ચાલક અને તેની સાથે રહેલા અન્ય યુવકને માર માર્યો હતો. જો કે, હજુ સુધી આ સમગ્ર મામલામાં કોઈ પોલીસ FIR નોંધવામાં આવી નથી. બેકાબુ કાર દુકાનમાં ઘુસી ગઈ ઘટના બે દિવસ પહેલા બની હતી. વ્યાસ કોલોનીમાં સર્કલ પાસે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. અચાનક ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો અને સામે પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. આટલું જ નહીં, ટક્કર માર્યા બાદ બેકાબુ કાર રસ્તા પરની એક દુકાનમાં ઘુસી ગઈ હતી. તે સમયે આ દૂધની દુકાનના ઓટલા પર પર કોઈ બેઠું ન હતું, પરંતુ કેટલોક સામાન પડ્યો હતો. કારે સ્કૂલે જતી એક છોકરીને પણ અડફેટે લીધી હતી. જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી. જેને બાદમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી.
ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢીને ફટકાર્યો
બીજી તરફ અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કાર ચાલકને બહાર કાઢીને ધોલાઈ કરી હતી. ખરેખરમાં, કાર દુકાનમાં ઘુસી ગયા બાદ જ્યારે ડ્રાઈવર તેને રીવર્સ લઈને બહાર કાઢી તો લોકોને લાગ્યં કે ડ્રાઈવર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પંદર જેટલા લોકોએ કારને ઘેરી લીધી હતી. અને ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢીને ફટકાર્યો હતો.
સીસીટીવી વીડિયો વાયરલ થયો
જયનારાયણ વ્યાસ કોલોની પોલીસે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હાલ પોલીસનું કહેવું છે કે કોઈપણ પક્ષે આ મામલે એફઆઈઆર નોંધાવી નથી. કાર ચાલક કોણ હતો? આ અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ નથી. અકસ્માત બાદના સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો.
